Ambamaa ni stuti-વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12

5 Comments »

  1. Jui said

    Hey Binaben!! I remember my grandma used to say this stuti every morning. This brought back so many childhood memories. Thanks for sharing this!

  2. ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
    હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
    શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો

    પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
    ખોટો ખરો ભગવતી પણ હું તમારો,

    mane stuti ni aatli vato khub j game///karanke aapda mate bolayeli vato che….khub saras

  3. Neela said

    મેઘધનુષમાં આ સ્તુતિ વાંચવા મળશે.

  4. [...] સાથે  વાંચો અંબા માતાજી ની વિશ્વંભરી સ્તુતિ  જે આસો નવરાત્રીમાં પોસ્ટ [...]

  5. [...] વિશ્વંભરી સ્તુતિ  ગત નવરાત્રીમા પોસ્ટ કરેલ. [...]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment