શ્રી સુરેશ દલાલ ને શ્રધ્ધાંજલી!

ગુજરાતી સાહિત્યના ટોચ સાહિત્યકારો પૈકીના એક સુરેશ દલાલ ૮૦ વર્ષની વયે મુંબઇ ખાતેના કફ પરેડના નિવાસ સ્થાને અવસાન પામ્યા છે. તેમના નિધનના કારણે ગુજરાત સાહિત્યને ન પુરાય તેવી ખોટ પડી છે. કવિતાના માધ્યમથી કૃષ્ણની આરાધના કરનાર સુરેશ દલાલે જન્માષ્ટમીના કૃષ્ણ જન્મના દિવસે જ પરમધામની વાટ પકડી છે.

કવિ શ્રી ને  શ્રધ્ધાંજલી!

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી આમ કરી
ડોસાને શાને બગાડે ?

મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે છે

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

5 ટિપ્પણીઓ »

  1. ગુજરાતી સાહિત્યનો એક પત્થર સમાન તારલો ખરી પડ્યો.
    શ્રી સુરેશ દલાલને શ્રદ્ધાંજલિ

  2. સુરેશ દલાલ એટલે કવિતા ઓ નો પર્યાય..!!
    બોલાવી એમને ઈશ્વરે કર્યો સાહિત્ય ને અન્યાય ….!!!! કમલેશ રવિશંકર રાવલ

  3. dhirajlalvaidya said

    સાહિત્ય શિરોમણી ભાઇશ્રી સુરેશભાઇ દલાલને મેં પ્રત્યક્ષ-સાક્ષાત મૂર્તિમંત જોયા નથી. છતાં પણ તેમની મર્મસ્થ સચોટ નિશાનેબાજ શબ્દો ઉપરની પકડથી તેમને થોડઘણા જાણી-માણી શક્યો છું. અને તેમને પ્રિયપાત્ર બનાવી બેઠો એટલે જ મારા જેવા અનેક વાંચકોના વહાલાએ અનેક ગોપીઓના વહાલા કૃષ્ણ જન્માષ્ટમીને સ્વર્ગની સમૃધ્ધિમાં એક મયુર પિંછ નો ઉમેરો કરવા ત્યાં પ્રયાણ કરી જવનો દિવસ પસંદ કર્યો હશે.

  4. Vishvas said

    જય શ્રીકૃષ્ણ બીનાબેન,
    સુરેશ દલાલજીની રચનાઓ તો ખરેખર અદભૂત છે. તેમને ભાવભીની શ્રદ્ધાઁજલી… બસ એટલુ કહીશ એમને કે

    તમે વાતો કરો તો થોડું સારું લાગે,
    આ દૂરનું આકાશ મને મારું લાગે.

    ડો.હિતેશ ચૌહાણ અને મન

  5. સુંદર ભાવાંજલિ.

    રમેશ પટેલ(આકાશદીપ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a comment